Fabric Square · માર્ગદર્શિકા

ચોપડામાંથી સોફ્ટવેર સુધી

કાપડનો ધંધો ચોપડે ચલાવવામાં ખરેખર ગોટાળો ક્યાં થાય છે, સોફ્ટવેર પર શું બદલાય છે, અને ધંધો બંધ કર્યા વગર કઈ રીતે ખસવું.

ચોપડો ક્યાં ટૂંકો પડે છે

સ્ટોકનો ચોપડો ત્યાં સુધી બરાબર ચાલે છે જ્યાં સુધી બે જણને એકસાથે એની જરૂર ન પડે. એક જણ ગોડાઉનમાં થાન ગણતો હોય, બીજો ફોન પર ભાવ કહેતો હોય, અને ચોપડો ત્રીજા પાસે પડ્યો હોય. કોઈની ભૂલ નથી હોતી — ચોપડો એકસાથે બે જગ્યાએ રહી શકે જ નહીં.

ધંધો વધે એમ ચોપડો બીજી રીતે પણ નડે છે. ચોપડામાં જે થઈ ગયું એટલું જ લખાય છે. અત્યારે માલ કેટલો બચ્યો, કારીગર પાસે શું પડ્યું છે, કે પાર્ટીના કેટલા પૈસા બાકી છે — એ કોઈ બેસીને સરવાળો કરે નહીં ત્યાં સુધી ચોપડો કહી શકતો નથી.

ખરેખર નુકસાન ક્યાં થાય છે

ચોપડાનું નુકસાન એકસાથે મોટો ફટકો બનીને આવતું નથી. એ તો ધીમે ધીમે થતું ગળતર છે, જે ક્યારેય એક આંકડામાં દેખાતું નથી:

  • માલ ગોડાઉનમાં પડ્યો હોય પણ કોઈને યાદ ન હોય, એટલે એ જ માલ ફરી ખરીદાય.
  • માલ હોય નહીં ને ચોપડામાં ચડેલો દેખાય, એટલે એવો ઓર્ડર લેવાઈ જાય જે પૂરો થાય જ નહીં.
  • ભાવ યાદ પરથી કહેવાઈ જાય, અને એ ચૂપચાપ ગયા મહિનાની પડતરથી પણ નીચો નીકળે.
  • ઉઘરાણી મોડી થાય, કારણ કે મહિનો પૂરો થાય ત્યાં સુધી બાકીની યાદી કોઈની નજર સામે આવતી જ નથી.
  • રોજ સાંજે બે કલાક એ જ આંકડા બીજા ચોપડામાં ઉતારવામાં જાય.

સોફ્ટવેર પર શું બદલાય છે

ખરો ફેરફાર એટલો જ છે કે આંકડો એક જ વાર લખાય અને બધાને એ જ એક આંકડો દેખાય. કાઉન્ટર પર બિલ બને એટલે સ્ટોક ઓછો થાય, પાર્ટીના ખાતે બાકી ચડે, અને દિવસના વેચાણમાં પણ આવી જાય — કોઈએ ક્યાંય કશું ઉતારવું ન પડે.

  • અત્યારનો સ્ટોક સ્ક્રીન પર દેખાય, ગણતરી માંડવી ન પડે.
  • માલ ખૂટવા આવે એની ખબર ઘરાક કહે એ પહેલાં પડી જાય.
  • દરેક બિલ, રિટર્ન અને પેમેન્ટ જે પાર્ટીનું હોય એના જ ખાતે બેસે.
  • ગોડાઉન, કાઉન્ટર અને ઓફિસ — ત્રણેય એક જ આંકડો જુએ.

જે ધંધામાં લખાતું જ નથી, એને સોફ્ટવેર સુધારી શકતું નથી. જે ધંધામાં એક જ વસ્તુ ત્રણ વાર લખાય છે, એને સુધારે છે.

ધંધો બંધ કર્યા વગર કઈ રીતે ખસવું

ભૂલ એ થાય છે કે બધું એક જ દિવસમાં ખસેડવા બેસી જવાય. ચાલતો ધંધો ડેટા એન્ટ્રી માટે કોઈ બંધ ન કરી શકે. એના બદલે આ ક્રમે આગળ વધો:

  1. એક તારીખ નક્કી કરો — સામાન્ય રીતે મહિનાની પહેલી. એ પહેલાંનું બધું ચોપડામાં જ રહેવા દો.
  2. એ તારીખનો ક્લોઝિંગ સ્ટોક જ નાખો. જૂનો ઇતિહાસ નહીં. અત્યારે જે માલ સામે પડ્યો છે એટલો જ.
  3. જે પાર્ટીઓ સાથે ખરેખર કામ ચાલે છે એટલી જ નાખો, અને દરેકના અત્યારે કેટલા પૈસા બાકી છે એ પણ.
  4. એ તારીખ પછીનું દરેક નવું બિલ સોફ્ટવેર પર જ બનાવો, ચોપડામાં એકેય નહીં.
  5. એક મહિનો ચોપડો બાજુમાં ખુલ્લો રાખો. એની તરફ હાથ જવાનું બંધ થાય ત્યારે એને મૂકી દો.

મોટા ભાગના ધંધામાં આ કામ અઠવાડિયામાં પતી જાય છે, કારણ કે ખરી મહેનત એટલી જ છે કે એક વાર માલ ગણવો પડે — અને એ તો ગણવા જેવું છે જ.

ખર્ચ કેટલો

શરૂ કરવા માટે ફ્રી ટ્રાયલ છે, કાર્ડની જરૂર નથી. પછી પ્લાનના પૈસા અને તમે જેટલા મોડ્યુલ ચાલુ કરો એટલાના જ — જે વેપારી જોબ વર્ક કરતો જ નથી, એ જોબ વર્કના હિસાબના પૈસા ક્યારેય આપતો નથી.

બધા પ્લાન અને ભાવ જુઓ

ક્યાંથી શરૂ કરવું

તમારા ધંધામાં બેસે છે કે નહીં એ જાણવાની સૌથી ઝડપી રીત એટલે ડેમો કંપની પર નહીં, પણ તમારા પોતાના સ્ટોક અને તમારી પોતાની પાર્ટીઓ પર એને ચાલતું જોવું. એમાં આશરે 20 મિનિટ જાય છે.

ડેમો બુક કરો

છેલ્લે સુધાર્યું: 2026-08-07